કોરોનાને કારણે અનેક સેલિબ્રિટીઝપણ મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે





  • લોકડાઉનની સ્થિતિમાં સામાન્ય લોકો તો હેરાન થયા જ છે, પણ ઘણી સેલિબ્રિટીઝ પણ કોરોનાને કારણે મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે

અર્જુન રામપાલ અને તેની પત્ની ગેબ્રિયેલા દમેટ્રિએડ્સ તેમના સાત મહિનાના બાળક સાથે મુંબઈથી નજીક કર્જત ગયાં હતાં. એ વખતે લોકડાઉનની જાહેરાત રાતના આઠ વાગ્યે થઈ હતી. બાર વાગ્યાથી લોકડાઉન શરૂ થવાનું હતું એટલે તેઓ મુંબઈ તેમના ઘરે આવી શક્યાં હોત, પરંતુ અર્જુન રામપાલ કહે છે કે અમે અમારા દીકરાની સલામતી માટે કર્જતમાં જ રહી જવાનું નક્કી કર્યું, કારણ કે અમારો દીકરો ખૂબ જ નાનો છે. વળી, તે જ્યારે મોટો થશે ત્યારે તેને કહેવા માટે અમારી પાસે એક સ્ટોરી પણ હશે કે તું જ્યારે નાનો હતો ત્યારે અમે લોકડાઉનમાં તારી સાથે કર્જતમાં રહ્યાં હતાં!

બાઘા બોયના પાત્રથી લોકપ્રિય બનેલા અભિનેતા તન્મય વેકરિયા કહે છે કે અમારી સોસાયટીના એક જ ફેમિલીના ત્રણ સભ્યોના કોરોનાના ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા. એ પછી ત્રણેયને સેવન હિલ્સ હોસ્પિટલમાં એડમિટ કર્યા હતા. જેને કારણે લગભગ 14 દિવસ સુધી અમારી આખી સોસાયટીને ક્વોરન્ટાઈન કરી નાખી. વિંગ સુધી જવાનું અલાઉડ હતું. વિંગની બહાર ન નીકળવું એવું મ્યુનિસિપલ કોર્પોરેશને અમને બધાને કહી દીધું હતું. દૂધવાળા કે શાકવાળા કોઈને સોસાયટીમાં પ્રવેશ મળતો નહોતો અને અમને પણ બહાર જવાનું અલાઉડ નહોતું એટલે દૂધવાળો ગેટ સુધી દૂધ મૂકી જાય અને ત્યાંથી સિક્યુરિટીવાળો લઈને વિંગ સુધી મૂકી જાય. પછી અમારે નીચે વિંગ પાસે જઈને લઈ આવવાનું. પછી તો ડર એવો બેસી ગયો હતો કે શાકભાજી ખાવાનું જ બંધ કરી દીધું હતું. કઠોળ, ચા ને થેપલાં કે ભાખરી એવું જ કંઈ પણ ખાઈને ચલાવતા હતા, પણ ચૌદ દિવસ ખૂબ તકલીફ રહી.

સંજય દત્તે પણ કોરોનાને કારણે હેરાન થવું પડ્યું છે. તેની પત્ની માન્યતા તેનાં બંને સંતાનો સાથે દુબઈ ગઈ હતી અને કોરોનાને કારણે તે બાળકો સાથે દુબઈમાં જ ફસાઈ ગઈ. સંજય દત્ત ઘરે એકલો રહી ગયો. તે દરરોજ તેનાં સંતાનો અને માન્યતા સાથે વિડિયો કોલ પર વાત કરે છે. તે કહે છે કે આપણે નજીકના લોકોને અને જિંદગીને ટેકન ફોર ગ્રાન્ટેડ લેતા હોઈએ છીએ, પરંતુ આવો સમય આપણને પોતાના લોકોની અને જિંદગીની વેલ્યૂ સમજાવતો હોય છે.

કાજોલ અને તેની દીકરી ન્યાસાને કોરોના લાગુ પડ્યો હોવાની વાત મીડિયામાં આવી હતી. ન્યાસા સિંગાપોરમાં ભણે છે. તેની સ્કૂલ કોરોનાને કારણે બંધ થઈ ગઈ અે પછી તે 20 માર્ચે મુંબઈ આવી ગઈ હતી. એ પછી મીડિયામાં એવી વાત આવી હતી કે ન્યાસાને તાવ આવ્યો હતો. કાજોલે તેને હોસ્પિટલમાં દાખલ કરી હતી અને કાજોલને પણ કોરોના લાગુ પડ્યો હોવાની વાત મીડિયામાં ફેલાઈ હતી. જોકે, અજય દેવગણ કહે છે કે એ માત્ર એક અફવા હતી. કાજોલ અને ન્યાસા ઘરે જ છે અને એકદમ તંદુરસ્ત છે.

ટીવી એક્ટ્રેસ રતન રાજપૂત ત્રણ ફ્રેન્ડ્સ સાથે મળીને એક પ્રોજેક્ટ પર કામ કરતી હતી અને એ ત્રણેય ફ્રેન્ડ્સ સાથે તે લોકડાઉનને કારણે બિહારના એક ગામમાં ફસાઈ ગઈ છે. રતન કહે છે કે હું ક્યાં છું એ ગામનું નામ જાહેર કરતી નથી, કારણ કે એને કારણે હું જ્યાં છું એ ગામના લોકોની પ્રાઈવસીનો ભંગ થશે અને હું ગામના લોકોને એ ખબર પણ પડવા દેવા નથી માગતી કે હું કોણ છું. એક વૃદ્ધે મને તેમના ઘરમાં આશ્રય આપ્યો છે અને અમે સેલ્ફ આઈસોલેશનમાં દિવસો પસાર કરી રહ્યાં છીએ. હું અહીં ચહેરા પર માસ્ક પહેરીને ફરી રહી છું અને હું આભારી છું માસ્કની કે જેના કારણે કોઈ મને ટીવી એક્ટ્રેસ તરીકે ઓળખી શક્યું નથી.

માત્ર બોલિવૂડની અને ટેલિવૂડની જ સેલિબ્રિટીઝ લોકડાઉનને કારણે મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે એવું નથી. મલયાલમ એક્ટર પૃથ્વીરાજ અને ડિરેક્ટર બ્લેસી ‘આદુજીવિથમ’ ફિલ્મના શૂટિંગ માટે 58 ક્રૂ સાથે જોર્ડન ગયા હતા ત્યાં જ કોરોનાને કારણે ફસાઈ ગયા અને તેમની સાથે તેઓ જે ફિલ્મ માટે ગયા હતા તે પણ ફસાઈ ગયા છે. એ ફિલ્મનું જે બજેટ હશે એ ધાર્યા કરતાં ખાસ્સું ઉપર જતું રહેશે. તેઓ અત્યારે દક્ષિણ જોર્ડનના વાદી રમ (વેલી ઓફ ધ મૂન)માં સમય વિતાવી રહ્યા છે. એ ફિલ્મનું શૂટિંગ 24 માર્ચે અટકાવી દેવાયું હતું. જોકે, પછી ત્યાંની ઓથોરિટીએ તેમને શૂટિંગ શરૂ કરવા માટેની પરવાનગી આપી હતી, પણ ત્રણ દિવસ શૂટિંગ થયા પછી 27 માર્ચના દિવસે જોર્ડનમાં પ્રતિબંધો આવી પડ્યા અને સાવચેતીના પગલારૂપે જોર્ડન સરકારે એ શૂટિંગની પરવાનગી ફરી રદ કરી નાખી. ત્યારથી પૃથ્વીરાજ અને બ્લેસી તેમની 58 ક્રૂની ટીમ સાથે એક હોટેલમાં સમય પસાર કરી રહ્યા છે.

આમિર ખાનનો દીકરો જુનૈદ આમિરના પંચગિનીના બંગલામાં ફસાઈ ગયો છે. તો ફિલ્મમેકર વિવેક અગ્નિહોત્રી આ સ્થિતિને હળવાશથી લેતાં કહે છે કે ત્રણ મે સુધી તમારી પાસે વજન ઘટાડવા માટેનો સમય છે.