પોઝિટિવ કેસનો આંક 669 પર પહોંચ્યો, રિકવરની સંખ્યામાં ધરખમ વધારો


સુરત રેલ્વે સ્ટેશનને સેનિટાઈઝ કરવામાં આવ્યું


  • શહેર સાથે જિલ્લામાં પણ પોઝિટિવ કેસમાં વધારો થઈ રહ્યો છે
  • મોતની સામે રિકવરની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે

સુરત. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં કુલ 669 કેસ પોઝિટિવ નોંધાઈ ચુક્યા છે. જેમાંથી પાલિકાના જણાવ્યા પ્રમાણે, ગઈકાલ સુધીમાં 30 વ્યક્તિના મોત નિપજ્યા છે. જ્યારે ગઈકાલ સુધીમાં 136 દર્દીઓને રજા આપી દેવામાં આવી છે. ગત રોજ નવા નોંધાયેલા 17 કેસમાં સિવિલ હોસ્પિટલના સ્ટાફ નર્સ, વ્યંઢળ, ટાટા કન્સલટન્સી કંપનીના એન્જિનિયર તેમજ એક પરિવારના માતા-પુત્રનો પણ સમાવેશ થયો છે.

એક જ દિવસમાં 58 દર્દીઓને રજા અપાઈ

કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સિવિલ હોસ્પિટલમાં કોરોના સામે જંગ લડી રહેલા 2 મહિનાની બાળકી સહિત કુલ 58 પોઝિટિવ દર્દીઓ સાજા થતા શનિવારે તેમને રજા આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં પહેલી વખત સૌથી વધુ 58 દર્દીઓને એક સાથે રજા આપવામાં આવી હતી. સુરત જિલ્લામાં મોતનો આંકડો 30 પર પહોંચ્યો છે. જ્યારે રિકવરની આંક 136 પર પહોંચ્યો છે. જેથી મોતની સામે રિકવરની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.