માર્કેટમાં મહત્તમ 3,000 લોકો માસ્ક સાથે પ્રવેશી શકશે અને ટેસ્ટિંગમાંથી પસાર થવું પડશે


નાનિંગ, તા. 1 મે 2020, શુક્રવાર
ચીનના વુહાન શહેરથી ફેલાયેલી કોરોના મહામારીએ આખી દુનિયાને પોતાના ભરડામાં લીધી છે અને સૌથી શક્તિશાળી ગણાતું અમેરિકા પણ હાલ સૌથી વધારે કેસ સાથે તેના કેન્દ્રબિંદુ સમાન બની ગયું છે. ત્યારે ચીનમાં સ્થિતિ સતત સામાન્ય થઈ રહી છે અને ત્યાંની દુકાનો, બજારો વગેરે પણ ખુલી રહ્યા છે. આ બધા વચ્ચે ચીનના નાનિંગ શહેરમાં તળેલા જીવ-જંતુઓનું માર્કેટ પણ ખુલી ગયું છે. 
ચીનના નાનિંગ શહેરમાં આવેલી પ્રખ્યાત ફૂડ સ્ટ્રીટની દુકાનોમાં વીંછી, કાનખજૂરા સહિત અનેક પ્રકારના તળેલા જીવ-જંતુઓ વેચાતા મળે છે. કોરોના વાયરસના પ્રકોપના કારણે આ દુકાનોને 70 દિવસ સુધી બંધ રાખવામાં આવી હતી અને હવે ખોલી દેવામાં આવી છે. આ માર્કેટમાં દરરોજ રાતે વિવિધ પ્રકારના નાસ્તા અને વ્યંજનો પીરસવામાં આવે છે. તેમાં ગ્રિલ્ડ ઓક્ટોપસ, મસાલેદાર ક્રોફિશ, બાફેલા પકોડા અને ચોખાની કેક વગેરેનો સમાવેશ થાય છે. જો કે, ત્યાંના તળેલા જીવ-જંતુઓ સૌથી વધારે લોકપ્રિય છે જેમાં કરોળિયાથી લઈને રેશમના કીડા સહિત અનેક પકવેલા જીવ-જંતુનો સમાવેશ થાય છે.
કોરોનાના કેસ સતત વધી રહ્યા હોવાથી જાન્યુઆરીના અંતમાં ઝોંગશાન રોડ પરની ફૂડ સ્ટ્રીટને બંધ કરી દેવામાં આવી હતી પરંતુ હવે કેસ ઘટી રહ્યા હોવાથી અને લોકોની અવર-જવર શરૂ થઈ હોવાથી તેને ખોલી દેવામાં આવી છે. દરરોજ સાંજે છ વાગ્યાથી બીજા દિવસે વહેલી સવાર સુધી ખુલી રહેતી આ સ્ટ્રીટમાં પહેલા લોકોની ભારે ભીડ રહેતી હતી પરંતુ હવે મહત્તમ 3,000 લોકોને તેમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી છે. 
હાલ દુકાનદારો માટે વારાફરથી સ્ટોલ ખોલવાનો અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનો નિયમ રાખવામાં આવ્યો છે. સાથે જ એક બીજા વચ્ચે આશરે બે મીટરનું અંતર જાળવવાનું પણ ફરજિયાત છે. વધુમાં આ માર્કેટમાં આવતા લોકોએ સત્તાવાર એપ વાપરવી પડશે, માસ્ક પહેરવું પડશે અને તેમનામાં કોરોનાના લક્ષણો તો નથીને તેની તપાસ માટે ટેસ્ટિંગમાંથી પસાર થવું પડશે. 
ચીનાઓના મતે જીવ-જંતુઓમાં ભરપૂર માત્રામાં પ્રોટિન રહેલું છે જેથી તે પ્રખ્યાત છે. વુહાન શહેર ખાતે આવેલા વેટ માર્કેટમાં અજગર, કાચબા, કાચિંડા, ઉંદર, ચિત્તાના બચ્ચા, ચામાચિડિયા, પેંગોલિન, શિયાળના બચ્ચા, જંગલી બિલાડી, મગર જેવા જાનવરોનું મીટ વેચાય છે અને ત્યાંથી જ કોરોના વાયરસ ફેલાયો હોવાની આશંકા છે. 2002માં વુહાનના માર્કેટમાંથી સાર્સ વાયરસ ફેલાયો હતો જેનાથી 26 દેશના 8,000 લોકો સંક્રમિત થયા હતા.