કોરોનાએ ગુજરાતના કરોડ ગામ અને મહારાષ્ટ્રના મરોડ ગામ વચ્ચે 60 વર્ષ બાદ
ફરી ખેંચી દીધી છે લક્ષ્મણ રેખા


  • શિક્ષણની દ્રષ્ટિએ મરોડ ગામના પ્રમાણમાં કરોડ ગામે પૂરતી શાળાઓ
 અમદાવાદ. આજે ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યનો સ્થાપના દિવસ છે. હાલમાં સમગ્ર દેશમાં લોકડાઉનની સ્થિતિ છે. ત્યારે ભાસ્કરે 2 રાજ્યના સરહદે આવેલા 2 ગામોની મુલાકાત લીધી હતી. કોરોના વાયરસની મહામારીએ 60 વર્ષ પછી ફરી એક વખત ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યના આ 2 ગામોને અલગ કર્યા છે. મહારાષ્ટ્રના મરોડ ગામના અંદાજિત 50 જેટલા પશુ પાલકો દૂધ ભરવા માટે નેસુ નદી પાર કરી ગુજરાતના કરોડ ગામે આવતા હતા. પરંતુ કોરોનાને કારણે સરહદના બંને ગામને જોડતો કડીરૂપ રસ્તો વહીવટી તંત્રએ બંધ કરી વચ્ચે લક્ષ્મણ રેખા ખેંચી દેવાતા વર્ષો જુનો વાટકી વ્યવહાર બંધ થયો છે. બંને રાજ્યની સ્થાપનાને 60 વર્ષ પુરા થવા આવ્યા છે. ત્યારે કોરોના વાયરસે ફરી એક વાર બંને ગામો વચ્ચે સોસશયલ ડિસ્ટન્સની જરૂરિયાત ઊભી થઇ છે. લોકડાઉનના અમલ માટે કરોડ ગામ તરફ ગુજરાત પોલીસના જવાનો અને મરોડ ગામ તરફ મહારાષ્ટ્ર રાજ્યના પોલીસ ફરજ પર હાજર છે.

બંને ગામ સામાજિક રીતે જોડાયેલા
કરોડ ગામ જનસંખ્યા 5000 જેટલી છે, અને ગામમાં 01 પીએચસી કેન્દ્ર, 03 શાળા અને આશ્રમશાળાઓ આવેલ છે. મરોડ ગામની જનસંખ્યા માત્ર 800 જેટલી છે, અને ગામમાં માત્ર 1 જ વર્ગશાળા કાર્યરત છે. બંને ગામોમાં લગભગ 95 % થી વધુ આદિવાસી સમાજની વસતિ છે. સામાજિક રૂપે એકબીજા સાથે જોડાયેલા છે.

આરોગ્ય માટે ગુજરાત પર નિર્ભર
હાલની સ્થિતિમાં આરોગ્ય વિષયક સેવાઓની ઉપલબ્ધતા ઘણી અગત્યની ગણાય છે. ત્યારે આમ દિવસોમાં મરોડના લોકો સારવાર માટે ગુજરાતના કરોડ ગામની પીએચસી પર આવતા હોય છે. જયારે હવે 5 કિમિ દૂર આવેલ મહારાષ્ટ્રના ડોગેગાવ સુધી દોડવું પડી રહ્યું છે.

શિક્ષણમાં ગુજરાતનું ગામ આગળ
લોકડાઉનની સ્થિતિમાં મરોડ ગામના 35 જેટલા પરિવારોના રેશનકાર્ડનો કલર બદલાતા એમને પૂરતું અનાજ મળ્યું નથી. જયારે ગુજરાતમાં સ્થિતિ ઠીક ઠાક છે. શિક્ષણની દ્રષ્ટિએ પણ મરોડ ગામના પ્રમાણમાં કરોડ ગામે પૂરતી શાળાઓ આવેલ છે. અને આર્થિકરૂપે પણ કરોડ ગામ સમૃદ્ધ જોવા મળ્યું હતું. બંને ગામોમાં મુખ્ય વ્યવસાય ખેતી છે. (તસવીર/ડ્રોન વીડિયો નિલેશ પાટીલ,નવાપુર)