અમદાવાદ. મૂળ પોરબંદરના અને વર્ષોથી આફ્રિકામાં સ્થાયી થયેલાં જાણીતા બિઝનેસમેન રિઝવાન આડતિયાનું મોઝામ્બિકના માપુટો પાસે અપહરણ થયું છે. રિઝવાન આડતિયાની રેન્જ રોવર કાર જંગલમાં રેઢી મળી આવી હતી.  



કોણ છે રિઝવાન આડતિયા?
દરેક વ્યક્તિ માત્ર પોતાના અને પોતાના પરિવાર માટે જીવતો હોય છે. પરંતુ દુનિયામાં એવાય લોકો છે જે બીજાને મદદરૂપ થવા માટે હંમેશા તત્પર રહે છે. ઈશ્વરે જે કંઈ આપ્યું છે તેનો થોડો ભાગ જરૂરિયાતમંદ માટે અવશ્ય વાપરવો જોઈએ એવી ફિલોસોફીને પોતાનો જીવનમંત્ર બનાવ્યો છે રિઝવાન આડતિયાએ. પોરબંદરમાં જન્મેલા અને આફ્રિકાના મોઝામ્બિકમાં બિઝનેસના ઉંચા શિખર સર કરનારા રિઝવાન આડતિયા કરોડોના માલિક હોવાની સાથે સાથે એક મોટિવેશનલ સ્પીકર પણ છે. તેઓ કમાણીની સાથે દાનપૂણ્ય પણ એટલું જ કરે છે. રિઝવાન આડતિયાના જીવન સાથે જોડાયેલી કેટલીક ઘટનાઓ, તેમના વ્યવસાય, ચેરિટી, ફાઊન્ડેશન અને બિઝનેસની સફળતા અંગે જાણીએ.

પોતાની પહેલી 175 રૂપિયાની કમાણીમાંથી વૃદ્ધને કરી હતી 110 રૂપિયાની મદદ
52 વર્ષના રિઝવાન આડતિયાનો જન્મ 1967માં પોરબંદરના ઇસ્માયલી ખોજા પરિવારમાં થયો છે. બાળપણથી જ તેઓ સેવાભાવી રહ્યાં છે. માત્ર 16 વર્ષની વયે તેમણે પોરબંદરની એક કંપનીમાં નોકરી કરવાની શરૂઆત કરી હતી. જે સમયે તેમને 175 રૂપિયા માસિક પગાર આપવામાં આવતો હતો. એક મેગેઝિનને આપેલા ઇન્ટરવ્યુમાં તેમણે એ સમયનો એક કિસ્સો જણાવ્યો હતો, જેણે તેમનું જીવન બદલી નાંખ્યું. તેમની નોકરીમાં પહેલા પગાર પેટે 175 રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. તેઓ પહેલા પગારની ખૂશી સાથે ઘરે જઇ રહ્યાં હતા, ત્યારે રસ્તામાં એક વૃદ્ધે તેમની પાસે લિફ્ટ માગી. વૃદ્ધને મેડિકલ સ્ટોરે લઇ ગયા. જ્યાં દવાનું બિલ 110 રૂપિયા થયું હતું, પરંતુ એ વૃદ્ધ પાસે માત્ર 70 રૂપિયા જ હતા. એ સમયે અન્ય કોઇ વિચાર કર્યા વગર તેમણે તુરંત જ પોતાના પગારમાંથી 110 રૂપિયા મેડિકલ સ્ટોરને ચૂકવી દીધા હતા. બાદમાં વૃદ્ધને હોસ્પિટલે મૂકવા ગયા અને કોઇપણ મદદ હોય તો જણાવવા માટે કહ્યું હતું. એ વૃદ્ધે આપેલા આશિર્વાદ અને આ ઘટના બાદ રિઝવાને ક્યારેય પાછા વળીને જોયું નથી. રિઝવાન આડતિયા મોટિવેશનલ સ્પીકર પણ છે. પોઝિટિવ લાઇફ કેવી રીતે જીવવી એ અંગે તેઓ મોઝામ્બિકમાં લેક્ચર આપે છે. ઇશ્વરે જે કંઇ આપ્યું છે તેનો થોડો ભાગ જરૂરિયાતમંદ માટે વાપરવો જોઇએ એ તેમનો જીવનમંત્ર છે.