• આઇસક્રીમ, કોલ્ડ્રિંક્સ, નમકીન જેવા ઉદ્યોગમાં સિઝનનું સૌથી મોટું વોલ્યુમ કપાયું


અમદાવાદ. ઉનાળુ સિઝન એફએમસીજી સેક્ટર માટે મહત્વની ગણાય છે. કોરોના મહામારીના કારણે માર્ચ મહિનાથી અમલી બનેલ લોકડાઉનના કારણે આઇસક્રીમ, કોલ્ડ્રિંક્સ તેમજ નમકિન ઇન્ડસ્ટ્રીઝ માટે મહત્વનો સમય ગણાય છે. ખાસકરીને માર્ચ-એપ્રિલ અને મે મહિનો આઇસક્રીમ તથા કોલ્ડ્રિંક્સનું વેચાણ વાર્ષિક વેચાણના 450-50 ટકા હિસ્સો ધરાવે છે. માર્ચ અને એપ્રિલનો સમય પુરો થઇ ચૂક્યો છે ત્યારે હવે 3 મેના રોજ લોકડાઉન ખુલે છે કે કેમ તેના પર નજર છે. જો લોકડાઉન લંબાશે તો ગુજરાતના એફએમસીજી સેક્ટરને સરેરાશ 5000 કરોડથી વધુનું નુકસાન ભોગવવું પડે તેવી સ્થિતિ છે. મોટી ઇનવેન્ટરી અને નાણાંકિય કટોકટીના કારણે સેક્ટરમાં બેરોજગારીનું પ્રમાણ વધી શકે છે.

દેશમાં આઇસક્રીમ ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટ સરેરાશ 15-17 હજાર કરોડ

આઇસક્રિમ તથા કોલ્ડ્રિંક્સના વેચાણમાં ગુજરાત રાજ્ય ટોપ થ્રીમાં સમાવેશ થાય છે. આ ઉપરાંત બ્રાન્ડ્સ કંપનીઓનું ઉત્પાદન પણ ગુજરાતમાં સૌથી વધુ થઇ રહ્યું છે ત્યારે મોટા પાયે નુકસાનની શક્યતા છે. દેશમાં આઇસક્રીમ ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટ સરેરાશ 15-17 હજાર કરોડનું છે જેમાં ગુજરાતનો હિસ્સો 1500-1700 કરોડનો રહ્યો છે. આ ઉપરાંત કોલ્ડ્રિંક્સનું ગુજરાતનું માર્કેટ સરેરાશ 1500-2000 કરોડનું છે જેમાં સૌથી વધુ વેચાણ માત્ર માર્ચ-એપ્રિલ અને મે માસમાં થાય છે જેના કારણે સેક્ટરને મોટા પાયે નુકસાની છે. લોકડાઉન દરમિયાન સરકારે શરતોને આધીન ઉદ્યોગો અને ધંધા રોજગારને મંજૂરી મળી છે પરંતુ તે મોટાભાગે જીવન જરૂરી ચીજો માટે માર્યાદિત છે. ઘણા રાજ્યોમાં લોકડાઉનની શરતી મંજુરી છે પરંતુ તેમાં આઈસ્ક્રીમ-કોલ્ડ્રિંક્સ-નમકિનના વેચાણ માટે મંજુરી અપાઈ નથી. સરકારે હાલમાં જે રાહત આપી છે તેનાથી અમુક સેન્ટરોમાં નાના પાયે ઉત્પાદન શરૂ થયું છે. 

આઇઆઇએમએના અનુવ્રત પાબરાઇએ જણાવ્યું કે એફએમસીજી સેક્ટરમાં ઇન્ડસ્ટ્રીઝના વાર્ષિક વેચાણનો મહત્વનો સમય લોકડાઉનમાં પૂરો થઇ ચૂક્યો છે. સરકાર પાસે ઉદ્યોગે વીજદર, ટેક્સમાં રાહત, જીએસટી દર ઘટાડવા તેમજ કામદારોને વેતન માટે ઇએસઆઇનો અમલ કરવાની માગ કરાઇ હતી પરંતુ સ્વીકારવામાં આવી નથી. લોકડાઉન ખુલ્યા બાદ પણ ઇન્ડસ્ટ્રીઝને સર્વાઇવ થતા બે માસનો સમય લાગી જશે.

FMCG સેક્ટરમાં 40-45% રોજગારી ઘટવાનો ભય

એફએમસીજી સેક્ટર મોટા પાયે રોજગારી પૂરી પાડે છે. જોકે, આ સેક્ટરમાં મોટા ભાગના કામદારો થર્ડ પાર્ટી (કોન્ટ્રાક્ટ) બેઝ્ડ પર કામ કરી રહ્યાં છે જેના કારણે આવા લોકોને વેતન ચૂકવણીનો પ્રશ્ન જ રહેતો નથી. મહિનામાં જેટલા દિવસ હાજરી થાય તેટલા દિવસનો જ પગાર અત્યાર સુધી ચૂકવાઇ રહ્યો છે જેના કારણે લોકડાઉનમાં આવા કામદારોને પગાર મળે તેમ નથી. આ ઉપરાંત અન્ય કામદારો માટે સરકાર મિનિમમ વેજીસનો નિયમ લાગુ કરે તે જરૂરી છે. અત્યારે મોટા પાયે ઉત્પાદન કાપ, નાણાંકિય ખેંચના કારણે આગળ જતા  બેરોજગારીનું પ્રમાણ વધી શકે છે.

આઇસક્રિમમાં માથાદીઠ વપરાશમાં ગુજરાત ટોચ પર

દેશમાં આઇસક્રીમના ઉત્પાદન અને વપરાશમાં ગુજરાત મહત્વનું રાજ્ય છે. વ્યક્તિ દીઠ આઇસક્રીમના વપરાશમાં ગુજરાત ટોચનું રાજ્ય છે. મોટા ભાગનો સમય લોકડાઉનમાં પૂર્ણ થઇ ચૂક્યો છે.- ઓનિંદ્યો દત્તા, એમડી, હેવમોર આઇસક્રીમ

સિઝનનો 20 ટકા બિનઝેસ મળે તો પણ સારૂ

આઈસ્ક્રીમ ઇન્ડસ્ટ્રીને બિઝનેસમાં રૂ. 1200 કરોડની નુકસાની થઇ છે અને જો લોકડાઉન લંબાશે તો આ આંકડો વધુ મોટો થશે. મહત્વનો સમયગાળો લોકડાઉનમાં પૂર્ણ થઇ ચૂક્યો છે. હવે જોવાનું કે લોકડાઉન ક્યારે ખુલે છે. સિઝનના કુલ વેચાણમાંથી 20 ટકા બિઝનેસ મળે તો પણ સારૂ.- રાજેશ ગાંધી, એમડી-વાડીલાલ ઇન્ડસ્ટ્રીઝ.

નમકિન સેગમેન્ટમાં 75 ટકા અસર

નમકિનમાં 75-80 ટકા અસર પડી છે. આંશિક મંજૂરી છે પરંતુ કુલ ઉત્પાદન કામગીરીના 20 ટકા કામગીરી થઇ રહી છે. લોકડાઉન દૂર થયા બાદ પણ પરિસ્થિતી રાબેતા મુજબ થતા ત્રણ માસનો સમય લાગી જશે.- ચંદુભાઇ વિરાણી, ફાઉન્ડર, બાલાજી વેફર્સ

હાઇલાઇટ્સ
  • 750 કરોડનું આઇસક્રીમ ઇન્ડસ્ટ્રીઝને ગુજરાતમાં નુકસાન
  • 1500 કરોડથી વધુનું નુકસાન કોલ્ડ્રિંક્સ ઇન્ડસ્ટ્રીઝને થયું
  • 1500કરોડથી વધુનું નુકસાન નમકિન ઇન્ડસ્ટ્રીઝને 
  • 3 માસ (માર્ચ, એપ્રિલ-મે)આઇસક્રિમ, કોલ્ડ્રિંક્સ ઇન્ડસ્ટ્રીઝ માટે મહત્વના
  • 50 ટકાથી વધુ આઇસક્રીમ, કોલ્ડ્રિંક્સના વેચાણ હિસ્સો માત્ર લોકડાઉનમાં