‘સારે જહાં સે અચ્છા..’ ધૂન સાથે એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ અને
B J મેડીકલ કોલેજ પર એરફોર્સની પુષ્પવર્ષા
- એરફોર્સના 3 એસ.યુ.-30 (સુખોઈ ) યુદ્ધ વિમાનોએ અમદાવાદ શહેર પર ફ્લાયપાસ્ટ કર્યું
- 10થી 12 વાગ્યાના ગાળામાં 50 કિમીના વિસ્તારમાં ડ્રોનનો ઉપયોગ ન કરવા એરપોર્ટ ઓથોરિટીની સૂચના
- 11.25 વાગે ફ્લાઈટ પ્લેન વિધાનસભા પરથી ફ્લાય પાસ્ટ
અમદાવાદ. એશિયાની સૌથી મોટી ગણાતી અમદાવાદ સિવિલ હોસ્પિટલ તથા એસ.વી.પી હોસ્પિટલ ઉપર પણ આજે સવારે ભારતીય વાયુસેનાના લડાકુ વિમાનોએ પુષ્પ પાંખડીઓ વરસાવીને કોરોના વોરિયર્સની સેવાને બિરદાવી હતી. ઉપરથી પુષ્પવર્ષા અને નીચે સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાં હમારા...ની ધૂન વાગતી હતી.
કોરોના વોરિયર્સના જુસ્સા બુલંદ
અમદાવાદની સિવિલ હોસ્પિટલ પરિસરમાં 1200 બેડની કોવિડ હોસ્પિટલમાં તથા એસવીપી હોસ્પિટલમાં કોરોના વાઈરસના અનેક દર્દીઓનો ઈલાજ કરાઈ રહ્યો છે. આ દર્દીઓની સેવા સુશ્રુષા માટે અનેક તબીબો, નર્સિંગ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ અને સેવકો છેલ્લા કેટલાય દિવસોથી કાર્યરત છે. ત્યારે તેમની આ સેવાના સન્માન રૂપે ભારતીય વાયુસેનાની આ પુષ્પ વર્ષાએ તેમના સેવા જુસ્સાને બુલંદ બનાવ્યો હતો. કોરોના સામેની જંગ લડી રહેલા તબીબી કર્માચારીઓ અને નર્સનો આભાર માનીએ તેટલો ઓછો છે. આવા સમયે ભારતીય વાયુસેનાએ સમગ્ર રાષ્ટ્ર વતી સૌ કોરોના વોરિયર્સનો વિશિષ્ટ આભાર માનીને તેઓનું મનોબળ વધાર્યું છે.
સિવિલમાં વાયુસેનાની બેન્ડની ધૂનો
ભારતીય વાયુસેનાનું બેન્ડ અમદાવાદ સિવિલ પહોંચ્યું છે. ત્યાં સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારાની ધૂન સાથે કોરોના વોરિયર્સને સલામી આપવામાં આવી છે. એરફોર્સના હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવી છે.
ડ્રોન ન ઉડાડવા એરપોર્ટ ઓથોરિટીની સૂચના
અમદાવાદ આસપાસના વિસ્તારોમાં સવારે 10થી 12 વાગ્યાના ગાળામાં 50 કિમીના વિસ્તારમાં ડ્રોનનો ઉપયોગ ન કરવા અમદાવાદ એરપોર્ટ ઓથોરિટીએ રાજ્ય સરકારને આપી સૂચના છે.
0 टिप्पणियाँ