પથ્થરમારો કરીને ટ્રાફિકજામ કર્યો




  • વતન જવા માટેની મંજૂરીનો પાસ હોવા છતાં પોલીસે રોક્યા હોવાનો પરપ્રાંતિય લોકોનો આક્ષેપ


વડોદરા. કેન્દ્ર સરકાર દ્વારા પરપ્રાંતિયોને વતન જવાની મંજૂરી આપ્યા બાદ લોકો પાસ લઇને વતન તરફ જઇ રહ્યા છે. જોકે વડોદરા જિલ્લાના કરજણ ટોલનાકા ઉપર યુપી, બિહાર અને રાજસ્થાન તરફ જઇ રહેલા લોકોને રોકતા પરપ્રાંતિય લોકોએ વાહનો ઉપર પથ્થરમારો કરીને ટ્રાફિકજામ કર્યો હતો. જોકે વધુ પોલીસ બોલાવીને પોલીસે ટ્રાફિકને ખુલ્લો કર્યો હતો. 

લોકોનો ગુસ્સો જોતા વધુ પોલીસ બોલાવવી પડી
સુરત અને ભરૂચ તરફથી યુપી, બિહાર અને રાજસ્થાનના લોકો શુક્રવારે રાત્રે 1 વાગ્યે કરજણ ટોલનાકા ઉપર પહોંચ્યા હતા. આ લોકો પાસે પાસ હોવા છતાં કરજણ ટોકનાકા ઉપર પરપ્રાંતિય લોકોને પોલીસે રોક્યા હતા. જેથી આ લોકો રાત્રે બસો અને ટ્રકોમાં જ બેસી રહ્યા હતા અને સવારે પરપ્રાંતિય લોકોએ વતન જવાની માંગ સાથે ટ્રાફિકજામ કર્યો હતો અને વાહનો ઉપર પથ્થરમારો પણ કર્યો હતો. પરપ્રાંતિય લોકોનો ગુસ્સો જોતા વધુ પોલીસ બોલાવવામાં આવી હતી અને પોલીસે પરપ્રાંતિય લોકોને સમજાવીને ટ્રાફિક ખુલ્લો કર્યો હતો. 

મંજૂરી લઇને નીકળ્યા હોવા છતાં પરપ્રાંતિયોને રોકવામાં આવ્યા
પરપ્રાંતિય લોકોએ આક્ષેપ કર્યો હતો કે, સરકારની મંજૂરી બાદ અમે પાસ કઢાવીને અમારા વતન તરફ જવા માટે નીકળ્યા છીએ. અમારી પાસે પાસ હોવા છતાં અમને રોકવામાં આવ્યા છે. અમને વતન જવા દેવામાં આવે તેવી અમારી માંગણી છે.